રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસથી જુનાગઢના પ્રવાસે છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સાંજે ૬:૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાયો હતો. જેમા પણ રાજયપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આવતીકાલે તા.૧૫મી ઓગષ્ટે સવારે ૯ કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં ૭૫માં સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે.અને મુખ્યમંત્રી ૭૫માં સ્વાતંત્ર પર્વ નિમિતે રાજ્યના પ્રજાજનોને સંભોધન કરી શુભકામના પાઠવશે.ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી રૂપાણી ગુજરાત પોલીસને ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પંચમહાલમાં , વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રિ ત્રિવેદી નવસારી ખાતે આવતીકાલે ધ્વજવંદન કરાવશે.
ભારતની આઝાદીના ૭૫માં વર્ષની અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. તેનાં ઉપલક્ષ્યમાં અમદાવાદના બિબિપુરા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં દેશભક્તિના ગીતોનો રંગારંગ સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત પર્વની પૂર્વે સંધ્યાએ દેશને આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલે જેવા અનેક નામી -અનામી લોકોનું યોગદાન રહેલું છે. એક અને અખંડ ભારતનાં નિર્માણમાં અનેક ભારતીયોએ પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું છે. આજે પણ સરહદ પર અનેક જવાનો મા-ભોમની રક્ષા કાજે ખડેપગે તૈયાર રહે છે તેમને વંદન કરવાનો આ અવસર છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને આપણા દેશને આઝાદી અપાવનાર વીર સપૂતોનું અમદાવાદ જીલ્લા કલેકટર સંદિપ સાગલેએ ધરે જઈને સૂતરની આંટી પહેરાવીને , શાલ ઓઢાડીને અને પ્રતિકાત્મક ચિહ્નરૂપે ચરખાની પ્રતિકૃતિ આપીને સન્માન કર્યું હતું. અમદાવાદ કલેકટર સંદિપ સાગલેએ નરોડા સંજયનગરના રહેવાશી ૯૮ વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણ અને ઉસ્માનપુરાના ઈશ્વરલાલ દવે સ્વાતંત્ર્ય સેનાની તરીકે સન્માનીય વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે.
તેમની પ્રતિકૂળ તબિયતના કારણે તેઓ આવતીકાલે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજ વંદન સ્થળે ઉપસ્થિત રહી શકે તેમ ન હોવાથી તેમના ઘેર જઈને અમદાવાદ શહેરમાં રહેતા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંદિપ સાગલેએ જણાવ્યું હતુ કે ”દરેક રાષ્ટ્રીય પર્વમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને હાજર રાખીને સ્ટેજ પર તેમનું સન્માન કરવાની આપણી ગૌરવવંતી પરંપરા છે. પરંતુ ઘણીવાર શારીરિક અશકતતા અને મોટી ઉમંરના કારણે તેઓ કાર્યક્રમ સ્થળ સુધી આવી શકતા નથી, તેથી આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના પાવન પર્વે અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નવતર વિચારના ભાગરૂપે આવા સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘેર જઈને તેઓને સન્માનિત કરવાનો અવસર સાંપડ્યો.