ગુરુવારે સરકાર અને વિપક્ષ વચ્ચે આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોના જોવા મળ્યા હતા. રાજ્યસભામાં બીજા દિવસે હંગામાના કારણે કામગીરી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષના સભ્યોના હંગામા વચ્ચે મંગળવારે રાજ્યસભામાં ગાર્ડ બોલાવવા પડ્યા હતા. ગુરુવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 15 વિપક્ષી દળો સાથે સંસદથી વિજય ચોક સુધી રેલી કાઢી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, સરકારે ગૃહમાં લોકશાહીની હત્યા કરી છે. ત્યારબાદ સંસદમાં તૈનાત સુરક્ષા અધિકારીઓનું નિવેદન મોડી સાંજે બહાર આવ્યું હતું. તેમણે કહ્યું કે, સાંસદોનું વર્તન ખૂબ જ આક્રમક હતું. સુરક્ષા સહાયક અક્ષિતા ભટ્ટે કહ્યું કે, વિરોધમાં સામેલ કેટલાક પુરુષ સાંસદો મારી તરફ દોડ્યા હતા અને સુરક્ષા કોર્ડન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મેં વિરોધ કર્યો ત્યારે સાંસદ છાયા વર્મા અને ફૂલો દેવી નેતામે એક તરફ હટી ગયા હતા અને પુરૂષ સાંસદોને કૂવા સુધી પહોંચવાનો રસ્તો આપ્યો હતો. અક્ષિતાએ કહ્યું કે, બંને મહિલા સાંસદોએ સાથી પુરૂષ સાંસદોને સુરક્ષા કોર્ડન તોડવામાં મદદ કરી હતો. તેમને બળજબરીથી મારા હાથ પકડીને મને ખેંચી હતી.
સુરક્ષા અધિકારી રાકેશ નેગીએ જણાવ્યું હતું કે, 11 ઓગસ્ટના રોજ હું ગાર્ડની ડ્યુટી માટે રાજ્યસભામાં પોસ્ટ થયો હતો. આ દરમિયાન સાંસદો અલમારાન કરીમ અને અનિલ દેસાઈએ સુરક્ષા કોર્ડન તોડવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ અલમારાન કરીમે મારુ ગળું પકડીને મને સુરક્ષા કોર્ડનથી દૂર કર્યો હતો. ગળું પકડવાના કારણે મને એક ક્ષણ માટે ગૂંગળામણ થઈ હતી. બપોરે સરકારના 8 મંત્રીઓએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને વિપક્ષના દરેક આરોપોનો ક્રમબદ્ધ રીતે જવાબ આપ્યો હતો. તેમને આ પત્રકાર પરિષદમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત મુખ્તાર અબ્બાસ નકવી, ધર્મેન્દ્ર પ્રધાન, અર્જુન મેઘવાલ અને વી મુરલીધરને લગભગ 48 મિનિટ સુધી જવાબ આપ્યો હતો.