સુરતના મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને SRL પ્રોજેકટ-કેર ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો.એસ.આર.ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ‘કપાસ પાક પરિસંવાદ’ યોજાયો હતો. જેમાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લઈને કપાસ વાવેતરની આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે જાણકારી મેળવી હતી.નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.સી.કે.ટીંબડીયાએ સજીવ ખેતીની અગત્યતા સમજાવી ઉપસ્થિત ખેડૂતોને એ તરફ વળવા માટે હાકલ કરી હતી. મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, સુરતના સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો.એમ.સી.પટેલે ઉપસ્થિત સર્વે આમંત્રિતોને શબ્દોથી આવકાર્યા હતાં. મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, સુરતના વૈજ્ઞાનિકો ડો.એમ.એમ.પટેલ, ડો.ડી.એચ.પટેલ અને ડો.એચ.આર. દેસાઈએ તેમના ઉદ્દબોધનમાં બીટી કપાસની આધુનિક ખેતી પદ્ધતિ, કપાસની સ્થાયી જાતો, સંકર જાતો અને બીજ ઉત્પાદન તથા બીટી કપાસમાં સંકલિત પાક સંરક્ષણ વિષયો પર વિગતવાર માહિતી આપી હતી.
KVK-સુરતના વડા ડો.જનકસિંહ રાઠોડે KVKની પ્રવૃતિઓ અંગે જણાવી પર્યાવરણને બચાવવા કૃષિ રસાયણોનો ઉપયોગ ઘટાડી નવસારી કૃષિ યુનિવર્સિટીના જૈવિક ખાતરો તથા દવાઓનો ઉપયોગ વધારવા ભલામણ કરી હતી. SRL પ્રોજેકટ-કેર ઇન્ડિયા-ઉમરપાડા દ્વારા ખેડૂત ઉપયોગી વિવિધ ટેકનોલોજીનું પ્રદર્શન યોજાયું હતું. સરપંચશ્રી હરિસિંગભાઈ વસાવા તથા વડપાડા અને ઉમરપાડાના આર.એફ.ઓ. શ્રી ભોલેસિંગભાઈ વસાવા અને શ્રી અનિલભાઈ પટેલ પણ હાજર રહ્યાં હતાં. આભારવિધિ મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના ડો.કે.બી.સાંખટે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં કેર ઇન્ડિયાના કોઓર્ડીનેટર સંજયભાઈ ખાંડધર, જિતેન્દ્રભાઈ ગોયલ તથા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.