એક મહત્વપૂર્ણ ચુકાદામાં જમ્મુ-કાશ્મીર હાઈકૉર્ટે એવો નિર્ણય લીધો છે કે, રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું એ રાષ્ટ્રગીતનો ‘અનાદર’ ગણી શકાય છે, પરંતુ તે ગુનો નથી. આ મહત્વપૂર્ણ નિર્ણયથી વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકો સામે રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું અથવા ઊભા થવું પરંતુ તેનું ગાન ન કરવા અંગે નોંધાયેલા કેટલાક કેસોને અસર થઈ શકે છે. કૉર્ટે જમ્મુ પ્રાંતના એક લેક્ચરર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને પણ રદ કરી દીધી હતી. તેમની વિરુદ્ધ 2018માં કૉલેજના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત માટે ઊભા ન થવાનો આરોપ હતો. આ અંગે જસ્ટિસ સંજીવ કુમારની સિંગલ બૅન્ચે જણાવ્યું હતું કે, રાષ્ટ્રગીત માટે ઊભા ન રહેવું એ રાષ્ટ્રીય સન્માન અધિનિયમ હેઠળ ગુનો નથી. અધિનિયમની કલમ 3નો સંદર્ભ આપતા ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે, કાયદો માત્ર તે જ વ્યક્તિના વર્તનને દંડ કરે છે જે રાષ્ટ્રગીતના ગાનને અટકાવે છે અથવા આ પ્રકારનું ગાન કરતી કોઈ સભામાં ખલેલ પહોંચાડે છે. કૉર્ટે કહ્યું કે, ‘આ પ્રકારે, એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રાષ્ટ્રગીતના ગાન વખતે ઊભું ન થવું અથવા રાષ્ટ્રગીત દરમિયાન ચૂપ રહેવું તે રાષ્ટ્રગીતનો અનાદર હોય શકે છે, પરંતુ તે ધારા 3 હેઠળ કોઈ ગુનો નથી.’ હાઈકૉર્ટે એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રગીત પ્રત્યે આદર એ ભારતના બંધારણ હેઠળ જણાવેલ મૂળભૂત ફરજોમાંની એક છે. પરંતુ આ ફરજો કાયદા દ્વારા લાગુ કરી શકાતી નથી અને આ પ્રકારની ફરજોનું ઉલ્લંધન રાજ્યના કોઈ પણ દંડનીય કાયદા હેઠળ ગુનો નથી.
