મહારાષ્ટ્રની વાત આવે ત્યારે બાળા સાહેબ ઠાકરે અચૂક યાદ આવે છે કારણ કે, મહારાષ્ટ્ર (MAHARASTRA)ના રાજકારણમાં તેમનો દબદબો રહ્યો હતો અને ભાજપનું નામ આવે ત્યારે અટલ બિહારી બાજપેયી અને નરેન્દ્ર મોદીનું નામ પણ અવશ્ય યાદ આવે. આ બંને પાર્ટીઓ વર્ષોથી એક બીજાના ગઠબંધનમાં રહી ચૂકી છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં તેઓ અલગ થયા છે અને શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીનો સાથ મેળવીને મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બનાવી છે. જો કે, એવું કહેવાય છે કે રાજકારણમાં કંઇ પણ અશક્ય નથી. કદાચ એવું જ મહારાષ્ટ્રમાં થાય તો નવાઇ નહીં કારણ કે, બંને પાર્ટીઓના સૂર એકબીજા માટે બદલાયા છે. ભલે આ બંને પાર્ટી હાલમાં અલગ અલગ હોય પરંતુ હિન્દુત્વની વિચારધારાના મુદ્દે બંનેને કોઇ જ અલગ કરી શકે તેમ નથી.
હવે શિવસેના(SHIV SHENA) અને ભાજપ (BJP) તરફથી એકબીજા માટે જે નિવેદનો આવી રહ્યાં છે તે જોતા તો એવું જ લાગે છે કે, બંને પક્ષ વચ્ચે કંઇને કંઇ તો રંધાઇ રહ્યું જ છે. મહારાષ્ટ્રમાં આજથી ચોમાસુ સત્ર શરૂ થઇ જવા રહ્યું છે. આ બે દિવસનું વિશેષ સત્ર છે. આ સત્ર શરૂ થાય તે પહેલા રવિવારે મુંબઇ સ્થિત વસંત સ્મૃતિ ભવનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જે નિવેદન આપ્યું તે ખૂબ જ ચોંકાવનારૂ છે. તેમણે પત્રકારોને કહ્યું હતું કે શિવસેના સાથે અમારા વૈચારિક મતભેદ અવશ્ય છે પરંતુ શિવસેના અમારી દુશ્મન નથી. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, રાજનિતીમાં કંઇ પણ સ્થાયી નથી હોતું. જો કે, આ બાબતે શિવસેના સાથે કોઇ વાટાઘાટો ચાલતી હોવાની વાતથી તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેઓ મહાવિકાસ અઘાડી સરકાર સામે આક્રમક જ છે પરંતુ શિવસેના માટે તેમનું વર્તન નરમ પડી ગયું હોય તેમ લાગે છે.
તો બીજી તરફ સોમવારે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર પ્રતિક્રિયા આપતા શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે જે કહ્યું તે પણ ચોંકાવનારૂ જ ગણી શકાય તેમ છે. તેમણે કહ્યું કે અમે ભારત પાકિસ્તાન જેવા દુશ્મન નથી. અમે આમિર ખાન અને કિરણ રાવ જેવા છીએ. અમારી દોસ્તી હજી પણ અકબંધ છે. આ બંને પક્ષોના નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય કેબિનેટમાં તેના મંત્રી મંડળનું વિસ્તરણ કરવા જઇ રહી છે. આ દરમિયાન શિવ સેના અને ભાજપ વચ્ચે ફરીથી કોઇ નવા સમીકરણ રચાઇ તો નવાઇ નહીં.