દરવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા પર નીકળે છે. જોકે લોકવાયકા મુજબ રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાનને એકાંત રાખવાની એક પરંપરા છે. આ દિવસોમાં તેઓ બીમાર હોવાથી તેમને અલગ અલગ ભોગને બદલે ઔષધિ આપવામાં આવતા હોવાની પણ લોકમાન્યતા છે. જે કોરોના સાથે ઘણી સુસંગત છે. એવી માન્યતા છે કે, જેઠ માસની પૂનમે ખૂબ જ ગરમી હોવાથી તેમને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. તે દિવસે ખૂબ ગરમી હોવાથી તેમને તાવ આવે છે. જેથી તેમને એકાંતમાં રાખવામાં આવે છે. જેમ કોરોનામાં દર્દીનું ધ્યાન રખાય છે તે રીતે ભગવાનને પણ સાત્વિક ભોજન આપવામાં આવે છે. તેમને મગની દાળના લાડુ, તુલસીના પાન, લીમડાનો રસ તેમજ ઉકાળો આપવામાં આવે છે. ત્યારે અમરોલીના લંકા વિજય મંદિરમાં ભગવાન જગન્નાથ બીમાર પડતા મંદિરના મહંત સીતારામદાસ બાપુ દ્વારા આજે 11 પ્રકારની આયુર્વેદિક દવા પીવડાવવામાં આવી હતી. ભક્તો દ્વારા ભગવાન આ બીમારીમાંથી સાજા થઇને આ વિશ્વને કોરોનામાંથી મુક્ત કરે તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી હતી. જોકે ગત વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા કોરોનાના કારણે નગરચર્યાએ નીકળી ન હતી ત્યારે હાલમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે આગામી અષાઢી બીજે રથયાત્રાની તંત્ર દ્વારા પરવાનગી આપશે કે કેમ જેની ભક્તો રાહ જોઇ રહ્યા છે.
