દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-1 માં 50 ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-2 માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે, સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે,વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે,કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ 20 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે,સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-12ના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.1/7/2021, ગુરૂવારથી યોજાશે.
