100માંથી 20 બાળકોને કોરોના સંક્રમણનું જોખમ

નીતિ આયોગના સદસ્ય ડૉ. વીકે પૉલના કહેવા પ્રમાણે બાળકોમાં પણ વયસ્કોની માફક કોરોના સંક્રમણ રહે છે. આશરે 20થી 22 ટકા બાળકોમાં સંક્રમણનું જોખમ રહેલું છે જેની આઈસીએમઆર દ્વારા પણ પૃષ્ટિ કરવામાં આવી છે. મતલબ કે 100 પૈકીના 20 બાળકોને સંક્રમણ થઈ શકે છે. ડૉ. પૉલે જણાવ્યું કે, બાળકોને બચાવવા માટેની પદ્ધતિઓ એ જ છે જેનું વયસ્કોએ પાલન કરવાનું છે. ડરવાના બદલે લોકો પોતાના પરિવારનું ધ્યાન રાખશે તો તેનાથી બચી શકાશે. જો કે, તેમણે ત્રીજી લહેરમાં બાળકો પરના જોખમ અંગે કોઈ જાણકારી નહોતી આપી. તેમના મતે આવી કોઈ લહેર આવશે કે નહીં તેના વિશે હાલ કશું ન કહી શકાય. સાથે જ તેમણે સિંગાપુરથી કોઈ સ્ટ્રેન આવ્યો છે કે નહીં તેની કોઈ જાણકારી ન હોવાનું પણ કહ્યું હતું.હકીકતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે સિંગાપુરથી આવેલા કોઈ સ્ટ્રેનનો હવાલો આપીને બાળકોનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી. જો કે, તેમણે સિંગાપુરથી આવેલા કોઈ સ્ટ્રેનનું નામ નહોતું ઉજાગર કર્યું.સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, જે રાજ્ય પાસે જીનોમ સિક્વન્સિંગની એક પણ લેબ ન હોય અને જેમણે અત્યાર સુધીમાં 50 લાખમાંથી 10,000 સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ ન કરાવ્યું હોય તેવા રાજ્યના મુખ્યમંત્રીએ આ પ્રકારની ઓછી જાણકારી સાથે ન બોલવું જોઈએ. આ તરફ કર્ણાટકમાં પણ અનેક બાળકો કોરોના સંક્રમિત આવી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીની માફક કર્ણાટકમાં પણ સંક્રમણની ત્રીજી લહેર દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *