ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,73,810 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 1.50 કરોડને વટાવી ગયો છે. સોમવારે અપડેટ થયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં એક્ટિવ કેસનો આંકડો 19 લાખને વટાવી ગયો છે. સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કુલ કેસનો આંકડો વધીને 1,50,61,919 થઈ ગયો છે. જ્યારે દેશમાં નવા 1,619 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,78,769 થઈ ગયો છે. દેશમાં સતત 40 દિવસથી કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 19,29,329 થઈ ગઈ છે. જે કુલ કેસના 12.81 ટકા છે. જ્યારે કોરોના સામે રિકવરી રેટ ઘટીને 86 ટકા થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કોરોનાને માત આપનાર લોકોની સંખ્યા વધીને 1,29,53,821 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થઈ ગયો છે. આઇસીએમઆર અનુસાર, રવિવારે 13,56,133 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે 18 એપ્રિલ સુધીમાં કુલ 26,78,94,549 ટેસ્ટ કારવામાં આવ્યા છે.
