દુનિયાભરમાં રોગચાળો સર્જનાર કોરોનાવાયરસ કુદરતી રીતે સર્જાયો છે કે ચીનની લેબોરેટરીમાંથી લીક થયો છે તે વિશે હજી કોઇ સ્પષ્ટતા થતી નથી ત્યારે આ વાયરસ ચીનની લેબોરેટરીમાં વિકસાવવામાં આવતો હતો અને ત્યાંથી લીક થયો છે તેવી થિયરીને બળ આપે તેવી વધુ એક ઘટનામાં એવો ઘટસ્ફોટ થયો છે કે જ્યાંથી આ રોગચાળો શરૂ થયો હતો તે ચીનના વુહાન શહેરમાં આવેલી વાયરોલોજી લેબના ત્રણ સંશોધકો નવેમ્બર ૨૦૧૯માં બિમાર થઇ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. અગાઉ જે જાહેર થયો ન હતો તેવા એક અમેરિકી ગુપ્તચર અહેવાલમાં આ ઘટસ્ફોટ થયો છે. વૉલ સ્ટ્રીટ જર્નલમાં પ્રગટ થયેલ આ અહેવાલ જણાવે છે કે વુહાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના ત્રણ સંશોધકો વર્ષ ૨૦૧૯ના નવેમ્બરમાં બિમાર પડી ગયા હતા અને તેમણે હોસ્પિટલમાં સારવારની માગણી કરી હતી. આ એના થોડાક સમય પહેલા બન્યું હતું જ્યારે વુહાન શહેરમાં ભેદી રોગ ફેલાવાનું શરૂ થયું હતું અને બાદમાં ચીને તેને રોગચાળો જાહેર કર્યો હતો. અમેરિકી વિદેશ વિભાગની ફેક્ટ શીટમાંથી આ અહેવાલ બહાર આવ્યો છે. જો કે આ અહેવાલ અંગે બે ગુપ્તચર અધિકારીઓમાં પણ થોડો મતભેદ છે. એક અધિકારી કહે છે કે આ અહેવાલ એક આંતરરાષ્ટ્રીય ભાગીદાર તરફથી મળ્યો હતો, તે મહત્વનો છે પરંતુ તેમાં તપાસની જરૂર છે, જ્યારે બીજા અધિકારી કહે છે વિવિધ સૂત્રો તરફથી મળેલો આ અહેવાલ ઘણો મજબૂત છે. જ્યારે ચીને અને વુહાન લેબે આ અહેવાલ ખોટો ગણાવીને ફગાવી દીધો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિઆને જણાવ્યું હતું કે આ અહેવાલ ખોટો છે, વુહાન લેબોરેટરીએ માર્ચમાં જ જણાવી દીધું હતું કે આ સંસ્થામાં ચેપનો કોઇ કેસ બન્યો નથી. વુહાનની આ લેબના ડાયરેકટર યુઆના ઝિમિંગે વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલને સ્પષ્ટ જુઠાણું ગણાવી ફગાવી દીધો છે. બીજી બાજુ, અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાત અને સરકારના સલાહકાર ડૉ. એન્થની ફૌસી કહે છે કે પોતે હજી એ વાત માની શકતા નથી કે કોવિડ-૧૯ ફેલાવનાર કોરોનાવાયરસ પ્રાકૃતિક રીતે વિકસ્યો છે. ૧૧મી મેના રોજ પોલિટિફેક્ટ કાર્યક્રમમાં ડો. ફૌસીને આ વાયરસના મૂળ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ જવાબ આપ્યો હતો. તેમણે કહયું હતું કે આપણે તપાસ ચાલુ રાખવી જોઇએ. જ્યારે કે બાઇડન પ્રશાસને પણ આ વાયરસના મૂળ અંગે સંપૂર્ણ તપાસ યોજવાની માગણી ચાલુ રાખી છે.
