સોમવારથી ગુજરાતમાં (Gujarat) તણાવ ઉત્પન્ન કરનાર Tauktae વાવાઝોડા (Tauktae Cyclone) આખરે રાજ્યમાંથી વિદાય લેતા લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. મોટાભાગે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આ વાવાઝોડું ગયું હતું એટલે તંત્ર પણ સજ્જ થતાં મોટી જાનહાની થઇ નથી. સોમવારે રાતે જ્યારે દિવ, ઉના, ગીર અને અમરેલી જિલ્લામાંથી આ વાવાઝોડું પસાર થયું ત્યારે પવનની ઝડપ 150 કિલોમીટર આસપાસ હતી. વાવાઝોડું રાજકોટ જિલ્લાના ચોટીલા પાસેથી પસાર થયું ત્યારે અંદાજે 100 કિ.મી.ની ઝડપ હતી. જે બાદ વાવાઝોડાની ગતી થોડી શાંત પડી હતી. અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા વિસ્તારમાંથી આ વાવાઝોડું ગયું ત્યારે તેની પવનની ગતિ આશરે 50 કિલોમીટર રહી હતી. જેના કારણે વ્યારપ પ્રમાણમાં નુકસાન તો થયું છે પરંતુ કોઇ મોટી જાનહાની સર્જાઇ નથી. આજે વડાપ્રધાન મોદી (PM Modi) 11.30 કલાકે ભાવનગર એરપોર્ટ પર પહોંચશે અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કરશે.આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટક્યું તે બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ભારે પવનના કારણે વૃક્ષો મોટી સંખ્યામાં ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યના 23 જિલ્લાઓના 176 તાલુકાઓમાં આ વાવાઝોડાના કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.
