ગંગા નદીમાં વહેતી લાશોના સમાચારો અને તસવીરોએ દિવસો સુધી દેશના લોકોને હચમચાવ્યા હવે ગંગા નદીના કિનારે દાટી દેવામાં આવેલા સેંકડો મૃતદેહો વરસાદથી ધોવાણના કારણે જમીનની બહાર આવી ગયા હોવાની હચમચાવી દેતા અહેવાલો મળી રહ્યા છે. એમ જાણવા મળે છે કે ગંગાના કિનારે એક સ્મશાન નજીક મૃતદેહોની આખી હરોળની હરોળ બહાર આવી ગઇ છે. આ મૃતદેહો ઉંડી કબર ખોદ્યા વિના છીછરી સપાટીએ જ દાટી દેવામાં આવ્યા હતા અને તેથી વરસાદના એક મોટા ઝાપટામાં જ જમીનમાંથી આ લાશો બહાર આવી ગઇ છે. મૃતદેહોની મોટી સંખ્યા અને અંતિમ સંસ્કારની પુરતી સવલતોના અભાવે મૃતદેહોને આ રીતે ઉતાવળે દાટી દેવામાં આવ્યા હશે એમ માનવામાં આવે છે. પ્રયાગરાજથી ૪૦ કિમી દૂર શ્રીરંગવરપુર ગામના સ્મશાનઘાટની તસવીરો બહાર આવી છે જેમાં જોઇ શકાય છે કે છીછરી કબરોની હરોળની હરોળ બહાર આવી ગઇ છે. આ કબરોને કેસરી કપડાઓ વડે ઢાંકી રાખવામાં આવી છે. અહીં દફનાવવામાં આવેલા મૃતદેહોમાં ઘણા મૃતદેહો કોવિડના દર્દીઓના પણ છે એમ માનવામાં આવે છે.
