રસીકરણની નિતીમાં અદાલતી હસ્તક્ષેપને અવકાશ નથી : કેન્દ્ર

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ રસીકરણ માટેની પોતાની નીતિને વાજબી ગણાવી છે અને કહ્યું છે કે રોગચાળા સામેનો તેનો પ્રતિસાદ અને વ્યુહરચના સંપૂર્ણપભણભે નિષ્ણાત તબીબી અને વૈજ્ઞાનિક અભિપ્રાયોથી દોરવાયેલ છે જેમાં અદાલતી હસ્તક્ષેપને ભાગ્યે જ કોઇ અવકાશ છે, કેન્દ્રે એ બાબત પર ભાર મૂક્યો હતો કે તમામ વયજૂથના નાગરિકોને દેશભરમાં મફત રસી મળશે. વૈશ્વિક રોગચાળામાં, કે જ્યાં દેશનો પ્રતિસાદ અને વ્યુહરચના એ નિષ્ણાત તબીબી અને વૈજ્ઞાનિક અભિપ્રાયોથી દોરવાયેલ છે ત્યારે કોઇ પણ અતિઉત્સાહી, ભલેને તે સારા હેતુસરનો હોય, અદાલતી હસ્તક્ષેપ ક્યારેય નહીં જોયેલા અને અનિચ્છનીય સંજોગો તરફ દોરી જશે એમ સરકારે જણાવ્યું હતું. કોવિડ-૧૯ વ્યવસ્થાપન અંગે સુપ્રીમ કોર્ટે જે સુઓ મોટો કેસ દાખલ કર્યો છે તેમાં રવિવારે મોડી રાત્રે દાખલ કરેલી ૨૧૮ પાનાની એફિડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ નીતિ ભારતના બંધારણની કલમ ૧૪ અને ૨૧ના હેઠળ મળેલી સત્તાની રૂએ અને ચર્ચા વિચારણાના ઘણા રાઉન્ડ પછી ઘડવામાં આવી છે જે ચર્ચા વિચારણામાં નિષ્ણાતો, રાજ્ય સરકારો અને રસી ઉત્પાદકોને શામેલ કરવામાં આવ્યા હતા, જ્યારે આટલી હદના રોગચાળા સાથે કામ પાર પાડવાનું હોય ત્યારે કારોબારી(વહીવટી તંત્ર)ને વ્યાપક જાહેર હિતમાં મુક્તપણે કામ કરવાનો અવકાશ હોવો જોઇએ. સરકારે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ૧૮થી ૪૪ની વયજૂથના તમામ લોકો મફત રસી મેળવી રહ્યા છે કારણ કે તમામ રાજ્ય સરકારોએ ૧૮થી ૪૪ની વયજૂથના નાગરિકો માટે મફત રસીકરણની જાહેરાત કરી છે આથી તમામ વયજૂથના લોકો દેશભરમાં મફત રસી મેળવશે એમ કેન્દ્ર સરકારે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *