હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું યાસ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે અને તે 26 મે આસપાસ ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે ટકરાશે.શનિવારે બંગાળની ખાડીમાં પૂર્વ-મધ્ય ભાગમાં તેમજ ઉત્તર અંદામાનમાં હવાનું હળવું દબાણ સર્જાયું હતું. દરેક વાવાઝોડું સૌપ્રથમ હવાના હળવા દબાણ તરીકે ઊભરતું હોય છે. ત્યારબાદ કોઈ વાવાઝોડું, કોઈ ચક્રવાતી વાવાઝોડા તરીકે પરિવર્તિત થાય છે. દરેક હવાનું હળવું દબાણ વાવાઝોડામાં તબદીલ નથી થતું. હવામાન વિભાગના મતે હળવું દબાણ આગામી બંગાળની ખાડીમાં પૂર્વ મધ્ય ભાગમાં એક દિવસમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારબાદ તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ ધપશે અને 24મીએ તે વાવાઝોડામાં બદલાશે. આ વાવાઝોડું 24 કલાક બાદ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થશે. 26મી મેના સાંજે પશ્ચિમ બંગાળ નજીક બંગાળની ખાડી આસપાસ તેમજ ઉત્તર ઓડિશા અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ચક્રવાતી વાવાઝોડું અથડાવાની સંભાવના છે. નોંધનીય છે કે ગત સપ્તાહે ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતી વાવાઝોડું તાઉતે ટકરાયું હતું અને સૌરાષ્ટ્રના સંખ્યાબંધ શહેરોમાં વિનાશ વેર્યો હતો.
એપ્રિલથી મે અને ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં વાવાઝોડાનું પ્રમાણ વધી જતું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. ગત વર્ષે મેમાં બંગાળની ખાડીમાં એમ્ફાન વાવાઝોડું ફૂંકાયું હતું જ્યારે અરબી સમુદ્રમાંથી ઉઠેલા નિસર્ગ વાવાઝોડાએ ભારતીય દરિયાકાંઠે દસ્તક દીધી હતી.