શહેરના પાલડી વિસ્તારમાં આવેલા અમન એપાર્ટમેન્ટમાં નિરંજનભાઈ શાહ (ઉ.વ.80) એકલા રહેતા હતા. તેમના દીકરા મુંબઈ ખાતે રહે છે. બે દિવસ પહેલા નિરંજનભાઈએ પોતાના ફ્લેટના ધાબે જઈ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું. પાલડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તેમના દીકરા વગેરેનું નિવેદન લીધું હતું. પોલીસને મૃતકના ઘરમાંથી બે સુસાઈડ નોટ મળી આવી હતી. એકમાં તેમણે આપઘાતનું કારણ લખીને વિગતવાર કારણની ચિઠ્ઠી કબાટમાં હોવાનું જણાવ્યું હતું. જેમાં વૃદ્ધે આપઘાત કરતા પહેલા લખ્યું છે, મને મ્યુકોરમાઇકોસિસ થયો છે અને મારા માથામાં સફેદ ફંગસ-ચાંદા પડ્યા છે. હવે આ કોરોનાકાળમાં હોસ્પિટલમાં આ રોગની સારવાર મને શક્ય લાગતી નથી. તેથી હું મારા દેહનો ત્યાગ સ્વેચ્છાએ કરું છું તો મને માફ કરશો. આ રોગની વાત મારી પત્ની પુષ્પાને પણ મેં જાણ નથી કરી. તથા રોગની જાણ મારા બંને દીકરા તથા બંને વહુઓને પણ નથી.
