મોડર્ના અને ફાઇઝરનો દિલ્હી સરકારને વેક્સિન વેચવાનો ઇનકાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે, યુએસ ફાર્માસ્યુટિકલ જાયન્ટ્સ ફાઇઝર અને મોડર્નાએ શહેરની સરકારને કોરોના વાયરસની રસી વેચવાનો ઇનકાર કર્યો છે. કારણ કે, તેઓ કેન્દ્ર સાથે સીધો વ્યવહાર કરવા માંગે છે. કેજરીવાલે જણાવ્યું કે, અમે ફાઈઝર અને મોડર્ના સાથે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અમને રસી આપશે નહીં અને સીધા કેન્દ્ર સાથે વાત કરશે.તેમણે ઉમેર્યું કે, હું કેન્દ્ર સરકારેને હાથ જોડીને આ કંપનીઓ સાથે વાત કરવા, રસી આયાત કરવા અને તેને રાજ્યોમાં વહેંચવા અપીલ કરું છું. દિલ્હીના મુખ્યમંત્રીની આ ટિપ્પણી એક દિવસ પછી આવી હતી જ્યારે પંજાબના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મોડર્નાએ સીધા રાજ્ય સરકારને રસી મોકલવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, તેઓ માત્ર કેન્દ્ર સાથે જ વ્યવહાર કરશે. કેજરીવાલે કહ્યું કે, કોરોનાની બીજી લહેર ધીરે ધીરે ઘટતી જાય છે અને શહેરની સરકારે ત્રીજી લહેર માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે, અમે ચીનથી 6000 ઑક્સિજન સિલિન્ડર આયાત કર્યા છે. પ્રત્યેક 2,000 સિલિન્ડર સાથે ત્રણ ડેપો બનાવવામાં આવી રહ્યા છે. જેનો ઉપયોગ ત્રીજી લહેર માટે કરવામાં આવશે. એમઇએ (વિદેશ મંત્રાલય) અને બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ અમને ખૂબ મદદ કરે છે, તેમની મદદ વિના આ શક્ય નહોતું. તેમણે કહ્યું કે, રસીનો સ્ટોક પૂરો થયા પછી દિલ્હીમાં 18-24 વય જૂથનાં તમામ 400 રસીકરણ કેન્દ્રો બંધ કરી દેવામાં આવી છે. જ્યારે 45થી વધુ વયનાં લોકો માટે કોવાક્સિન આપતા કેન્દ્રોમાં હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે પણ ડોઝ ઉપલબ્ધ ન હોવાથી બંધ કરી દેવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, હું કેન્દ્રને વિનંતી કરું છું કે આ રસીકરણ કાર્યક્રમને મજાક ન બનાવવો. રાજ્યોને આ કંપનીઓ સાથે સંપર્ક કરવા કહેવાને બદલે યુદ્ધના ધોરણે ફાઇઝર અને મોડર્નાને મંજૂરી આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *