ભારતને 40થી વધુ દેશો તાત્કાલિક ઑક્સિજન સંબંધિત ઉપકરણો અને જરૂરી દવાઓ પૂરી પાડવા તૈયાર થયા છે. જેથી કોરોના મહામારીની બીજી લહેરની અસર ઘટાડવા મદદ મળી શકે. એમ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ગુરુવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત તાત્કાલિક 550 જેટલા ઑક્સિજન પ્લાન્ટ, 4,000 ઑક્સિજન કૉન્સન્ટ્રેટર, 10,000થી વધુ ઑક્સિજન સિલિન્ડર અને 17 ક્રાયોજેનિક ઑક્સિજન ટેન્ક મેળવવા અંગે વિચાર કરી રહ્યું છે. જેમાંથી કેટલાક યુનિટ પહેલેથી જ ભારત આવી ચૂક્યા છે. મોડી રાત્રે વિદેશમંત્રી એસ. જયશંકરે સમગ્ર વિશ્વના ભારતીય મિશનના પ્રમુખો સાથે વીડિયો કૉન્ફરન્સ કરીને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને જરૂરીયાતો અંગે જાણકારી આપી હતી. શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, હાલમાં કેટલાક ક્ષેત્રોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં પ્રવાહી ઑક્સિજન અને તેને લગતી સામગ્રી, ઑક્સિજન જનરેટર્સ, ઑક્સિજન કૉન્સન્ટ્રેટર, ઑક્સિજનના પરિવહનના ઉપકરણોનું ઉત્પાદન સમાવેશ થાય છે.વિદેશ સચિવએ એમ પણ કહ્યું હતું કે, ભારત ઇજિપ્તમાંથી રેમડેશિવીરના 400,000 યુનિટ્સ ખરીદવા અંગે પણ વિચાર કરી રહી છે. આ ઉપરાંત, સંયુક્ત અરબ અમીરાત, બાંગ્લાદેશ અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાંથી પણ તેને મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, આંતરરાષ્ટ્રીય સહયોગ એ અમારી મીટિંગનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને જે હાલની તાત્કાલિક આવશ્યકતાઓને પૂર્ણ કરે છે. તેમજ આપણે પોતાની ક્ષમતા વધારવા માટે પણ તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ.તેમણે જણાવ્યું હતું કે, ભારત દરરોજ 200,000થી 300,000 ડોઝની જરૂરિયાત સામે રેમડેશિવીરના 67,000 યુનિટ્સનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઉત્પાદનને દિવસમાં 300,000થી 400,000 ડોઝ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.શ્રીંગલાએ જણાવ્યું હતું કે, ભારત યુએસથી ત્રણ વિશેષ ફ્લાઇટ્સ દ્વારા મોટા પ્રમાણમાં તબીબી પુરવઠો લાવવાની અપેક્ષા રાખે છે. જેમાં ઑક્સિજન ઉત્પન્ન કરનારા ઉપકરણો અને ઑક્સિજન કોન્સન્ટ્રેટર સામેલ છે. જેની શુક્રવારે બે ફ્લાઇટ્સ આવવાની સંભાવના છે જ્યારે ત્રીજી ફ્લાઇટ 3 મેના રોજ આવશે.
