ફેસબુકે રિઝાઇનમોદી પોસ્ટ્સ કલાકો સુધી બ્લોક કરી દીધી

દેશમાં કોવિડની વકરેલી કટોકટીને હાથ ધરવા બાબતે કેન્દ્ર સરકારની વધતી ટીકાઓ વચ્ચે ફેસબુકે રિઝાઇનમોદી ટેગવાળી પોસ્ટો કલાકો સુધી બ્લોક કરી દીધી હતી. જો કે બાદમાં તેને ભૂલ ગણાવીને આ પોસ્ટો ફરીથી મૂકી હતી. ફેસબુકે એવો ખુલાસો કર્યો છે કે બુધવારે આ રીતે જે પોસ્ટો બ્લોક કરવામાં આવી તે સરકારના કહેવાથી કરવામાં આવ્યું ન હતું. જો કે હાલના સમયમાં આ રીતે સરકારની ટીકા કરતી પોસ્ટ્સ બ્લોક કરવામાં આવી હોય તેવો આ પ્રથમ બનાવ નથી. આ પહેલા ટ્વીટરે સરકારની ટીકા કરતી હોય તેવી ઘણી ટ્વીટ્સ હટાવી દીધી હતી અને તે સરકારના જ કહેવાથી કરવામાં આવ્યું હોવાનું જાહેર થયું હતું. સરકારે ફેક ન્યૂઝ ગણાવીને આવી ઘણી પોસ્ટો દૂર કરવા તેને જણાવ્યું હતું. બુધવારે પોસ્ટ્સ બ્લોક કરવામાં આવી તે બાબતે ફેસબુકે ખુલાસો કરતા જણાવ્યું હતું કે અમે હંગામી રીતે આ હેશટેગ ભૂલથી બ્લોક કરી દીધું હતું, અને તે ભારત સરકારના કહેવાથી કરવાામાં આવ્યું ન હતું. અને તે ફરીથી રિસ્ટોર કરી દીધું છે એમ ફેસબુકે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું. અહેવાલો મુજબ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની હાકલ કરતા એક હેશટેગને ફેસબુકે કલાકો સુધી બ્લોક કરી દીધું હતું. આ હેશટેગની સર્ચ કરતા લોકોને મેસેજ વાંચવા મળતો હતો કે આ પોસ્ટો કામચલાઉ રીતે હીડન કરવામાં આવી છે કારણ કે તેમાની કેટલીક સામગ્રી અમારા કોમ્યુનિટી ધારાધોરણોની વિરુદ્ધ હતી. આ હેશટેગ બ્લોક કરવાનું એવા સમયે આવ્યું છે કે જ્યારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન નજીક આવી રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ફેસબુક સમયે સમયે અમુક હેશટેગ્સ અને પોસ્ટ્સ વિવિધ કારણોસર બ્લોક કરતી રહે છ, જેમાંથી કેટલીક પોસ્ટ મેન્યુઅલી જ્યારે કેટલીક ઓટોમેટેડ રીતે બ્લોક કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *