ગુજરાતમાં સોમવારે રાત્રે ઉનાથી પ્રવેશેલા તૌકતે વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદ પણ પડ્યો, જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વાવાઝોડાને લીધે રાજ્યમાં 17 લોકોના મોત થયાની માહિતી મળી છે. ઉપરાંત સંખ્યાબંધ ઘરો અને ઝાડ જમીનદોસ્ત થઈ ગયા છે. ઘણા વીજપોલ પણ ધરાશાયી થઈ ગયા છે. તૌકતે વાવાઝોડું ગુજરાતમાંથી રાજસ્થાન તરફ આગળ વધ્યું છે.રાજ્યમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જેમાં છેલ્લા 12 કલાકમાં સૌથી વધુસૌથી વધુ ખેડા જિલ્લાના નડિયાદમાં 8.8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગરમાં 6.4 ઈંચ, મહુધામાં 6 ઈંચ, ઉમરગામ અને વલસાડમાં પણ 6 ઈંચ, આણંદમાં 5.9 ઈંચ અને માતરમાં 5.8 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 12 કલાકમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 12 કલાકમાં 1219 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકામાં 4 ઈંચથી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના 11 તાલુકામાં 4થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
