જેરૂસલેમમાં યહુદી ધર્મસ્થળને આગચંપી, આરબોની કાર પર વળતાં હુમલા

સપ્તાહોથી ચાલી રહેલ પેલેસ્ટાઇનીઓ અને ઈઝરાયેલીઓ વચ્ચેના સંઘર્ષે અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જ્યાં ભારે લડાઇ ફાટી નીકળી છે તે ગાઝાની સરહદે ભૂખરા રંગના ધુમાડાના ગોટે ગોટા દેખાઇ રહ્યા છે અને ગાઝામાં ઠેર ઠેર નુકસાન પામેલી ઇમારતો સહિત વિનાશના દ્રશ્યો દેખાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ઉગ્ર બની ગયેલી આ લડાઇમાં ડઝનબંધ લોકો માર્યા ગયા છે જેમાં મોટા ભાગના પેલેસ્ટાઇનીઓ છે. ગાઝા તરફથી હમાસ સંગઠન વાળાઓ રોકેટ મારો કરી રહ્યા છે અને વળતા જવાબમાં ઇઝરાયેલનું લશ્કર હવાઇ હુમલાઓ કરી રહ્યું છે અને તેમાં મોટે ભાગે નિર્દોષ પેલેસ્ટાઇની નાગરિકોના મોત થઇ રહ્યા છે. ગાઝામાં મૃત્યુઆંક વધીને ૪૮ થયો છે જેમાં ૧૪ બાળકો છે. ઇઝરાયેલના હવાઇ હુમલામાં ગાઝામાં બે એપાર્ટમેન્ટ બિલ્ડિંગો ધરાશાયી થઇ ગઇ છે. આ હવાઇ હુમલામાં કુલ ૩૦૦ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં ૩૯ મહિલાઓ અને ૮૬ બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત છ ઇઝરાયેલીઓ માર્યા ગયા છે. આ ખૂબ વણસેલા સંઘર્ષે ૨૦૧૪ના ઇઝરાયેલ-હમાસ યુદ્ધની યાદ તાજી કરાવી છે જ્યારે પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા. ઇઝરાયેલ જે રીતે ઉગ્રતા બતાવી રહ્યું છે તે જોતા વિશ્વ નેતાઓને ભારે અશાંતિ સર્જાવાની ચિંતા થવા માંડી છે અને યુએન દ્વારા તો આ વિસ્તારમાં પુરા કદનું યુદ્ધ ફાટી નિકળવાની ચેતવણી આપવામાં આવી છે. અને આ લડાઇ વચ્ચે ઇઝરાયેલના આરબ-યહુદી મિશ્ર વસ્તીવાળા વિસ્તારોમાં કોમી રમખાણો ફાટી નિકળવાના પણ અહેવાલો મળી રહ્યા છે જેમાં યહુદીની માલિકી વાળા એક રેસ્ટોરાંને તથા એક યહુદી ધર્મસ્થળને આગ ચાંપવામાં આવી હતી, એક આરબ શખ્સને ગોળીથી ઠાર મારવામાં આવ્યો હતો અને આરબોની માલિકીની કારો પર હુમલા કરવામાં આવ્યા હતા. આ સંઘર્ષ જેરૂસલેમના મામલે શરૂ થયો છે. મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની શરૂઆતમાં ઇઝરાયેલની પોલીસે અલ-અકસા મસ્જિદના વિસ્તારમાં અને તેની નજીકની મુસ્લિમોની વસાહતમાં સખત હાથે કામ લેતા લડાઇ શરૂ થઇ હોવાનું કહેવાય છે. અલ-અકસા મસ્જિદના કંપાઉન્ડનો વિસ્તાર મુસ્લિમો અને યહુદીઓ બંને માટે પવિત્ર ગણાય છે અને આ વિસ્તાર પર કબજાના મુદ્દે બંને કોમો વચ્ચે વારંવાર સંઘર્ષ સર્જાતો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *