દેશમાં કોરોના મહામારીએ મોટું ભયંકર રૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 99 હજાર 376 નવા દર્દી મળ્યા છે. 93,418 સાજા થયા અને 1,037નાં મોત નીપજ્યાં. નવા કેસનો આંકડો ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ આવેલી પ્રથમ પીકથી બમણા કરતાં વધારે થઈ ગયો છે. એ સમયે એક દિવસમાં સૌથી વધુ 97,860 કેસ હતા. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 14 લાખ 65 હજાર 877 થઈ ગઈ છે. એ 15 લાખને પાર કરી શકે છે, કારણ કે છેલ્લા બે દિવસથી એમાં એક લાખથી વધુનો વધારો થઈ રહ્યો છે.
