ગઢચિરોલીમાં કમાન્ડોની કાર્યવાહીમાં 13 નક્સલી ઠાર

થોડા દિવસો પહેલા નક્સલવાદીઓ દ્વારા છત્તીસગઢનાં બીજપુર-સુકમા બોર્ડર પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 22 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદથી નક્સલવાદીઓ વિરૂધ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હવે આ શ્રૃંખલામાં, સુરક્ષા દળોને શુક્રવારે એક મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં પોલીસે ઓપરેશન હાથ ધરતા 13 નક્સલીઓને ઠાર માર્યા છે અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. ગઢચિરોલીનાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) સંદીપ પાટિલે મીડિયાને માહિતી આપી કે સવાર સુધી એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 13 નક્સલવાદીઓ માર્યા ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસ કાર્યવાહી સવારે 3.30 વાગ્યે એતાપલ્લીનાં કોટમી નજીકના જંગલમાં થઈ હતી. તમામ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નકસલવાદીઓ વિરુદ્ધ આ કાર્યવાહી ધનટાદમાં ચાલી રહી છે, જે પોલીસની C-60 યુનિટ ચલાવી રહી છે. સંદીપ પાટિલે જણાવ્યું કે જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ બેઠક માટે એકઠા થયા હતા. વિશિષ્ટ માહિતીનાં આધારે પોલીસ ટીમ અને C-60 કમાન્ડોએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન, બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ. ત્યાર બાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં 13 નક્સલીઓને ઠાર માર્યા ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *