આઇપીએલના બાયો સિક્યોર બબલમાં કોરોનાના ઘણાં કેસ મળવાના કારણે અંતે ટૂર્નામેન્ટને મંગળવારે અચોક્કસ મુદત સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. લીગના ચેરમેન બ્રિજેશ પટેલે પીટીઆઇને જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અમે આગામી ઉપલબ્ધ સમયમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરાવવાનો પ્રયાસ કરીશું, પણ હાલમાં તેની કોઇ સંભાવના નથી. સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના સ્પિનર અમિત મિશ્રાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી આઇપીએલને સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે અમે જોઇશું કે શું વર્ષના અંતે આઇપીએલના આયોજન માટે કોઇ યોગ્ય સમય મળી શકે છે કે કેમ. તેનું આયોજન સપ્ટેમ્બરમાં કરી શકાય તેમ છે, પણ હાલના તબક્કે તે માત્ર આકલન કરવા જેવું છે. હાલની સ્થિતિ એ છે કે અમે ટૂર્નામેન્ટનું આયોજન હાલ નથી કરી રહ્યા.આ પહેલા સોમવારે ચેન્નાઇ સુપર કિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી તેમજ કોલકાતા નાઇટ રાઇડર્સના બોલર વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આ કેસ સામે આવ્યા પછી કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સહિતની બે મેચ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
