અમદાવાદની હોસ્પિટલના દરવાજા દર્દીઓ માટે બંધ

અમદાવાદ શહેરને કાળમુખા કોરોના બાનમાં લીધું છે. રોજેરોજ કેસોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ મૃત્યુઆંક વધી રહ્યો છે. સાથે જ હોસ્પિટલોમાં પણ હાઉસફૂલના પાટિયા યથાવત રહેવા પામ્યા છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત અને બેડ ખાલી ન હોવાથી હોસ્પિટલના દરવાજા બંધ કરવાની નોબત આવી પડી હતી. પરિણામે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં એકપણ બેડ ખાલી નહીં હોવાથી લોકો સોલા સિવિલ તરફ વળ્યા હતા. જેના પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ હાઉસફૂલના પાટિયા લગાવવા પડ્યા છે. આજે તો હોસ્પિટલના દરવાજા જ બંધ કરી દેવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ થઇ ચૂક્યા છે. સાથે ઓક્સિજનની અછત પણ ઊભી થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જેથી સોલા સિવિલ હોસ્પિટલના દરવાજા દર્દીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા છે. શહેરની ધન્વંતરી હોસ્પિટલમાં પણ કંઇક એવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં 900 બેડની હોસ્પિટલ રાતોરાત તૈયાર કરવામાં આવી હોવાની મોટી જાહેરાતો કરી, દિલ્હીથી આવેલા નેતાઓએ ઉદઘાટન પણ કરી નાખ્યાં, પરંતુ 5૦૦થી વધારે દર્દીઓને દાખલ કરી શકાયાં નથી. હોસ્પિટલમાં હજુ જરૂરિયાત મુજબની સુવિધાઓ ધીરે-ધીરે ઉભી થઇ રહી છે. આ જોઈને શહેરીજનો હવે હોસ્પિટલના ધક્કા ખાઈ લાચર બની થાકી ગયા છે. લાચાર અને બેબસ લોકો હવે બસ ભગવાનના સહારે જ બેસી ગયા છે. સરકાર અને તંત્ર સામે હાથ જોડી, કાકલૂદી કરવા છતાં કોઈ જ વ્યવસ્થા થતી નથી. જેના પગલે કેટલાક લોકોએ તો પોતાના સ્વજન દર્દી માટે ઘરે જ ઓક્સિજનની વ્યવસ્થા ગોઠવી ઘરે જ સારવાર લેવાનું મુનાસીફ માની રહ્યા છે. કરે તો પણ શું કરે આના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. હોસ્પિટલમાં ક્યાં જગ્યા નથી. દર્દીઓને લઈ જાય તો ક્યાં લઈ જવા ?. તેવી સ્થિતિને પગલે લોકો હવે ભગવાન ભરોસે દર્દીઓને ઘરમાં જ શક્ય બને એટલી સારવાર આપવા મજબૂર બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *