અમેરિકાના મિન્નેપોલિસ શહેરમાં એક આફ્રિકન મૂળના શખ્સને પોલીસે ઠાર માર્યા બાદ ભારે તોફાનો ફાટી નિકળ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે નેશનલ ગાર્ડ્સને તૈનાત કરવા પડ્યા છે. સ્થાનિક સમય પ્રમાણે રવિવારે આ ઘટના બની હતી જેમાં ડોન્ટે રાઇટ નામના એક યુવાનને ટ્રાફીક નિયમના ભંગ બદલ પોલીસે પડકાર્યો હતો પરંતુ તે નહીં થોભતા પોલીસે તેને ગોળી મારી હતી જેને કારણે તે મરી ગયો હતો. ગયા વર્ષે જ્યોર્જ ફ્લોઇડ નામના હબસીને જ્યાં મારી નાખવામાં આવ્યો હતો તે સ્થળથી માત્ર દસ માઇલના અંતરે આ ઘટના બની હતી જેના પગલે અશ્વેત સમુદાયમાં વ્યાપક રોષ ફેલાઇ ગયો હતો અને રવિવારે રાત્રે અશ્વેત લોકો રસ્તઓ પર ઉતરી આવ્યા હતા અને તોફાને ચડ્યા હતા. તેમણે તોડફોડ અને લૂંટફાટ શરૂ કરી હતી. તોફાનીઓને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસ અને લાઠીચાર્જનો આશરો લીધો હતો. રબર બુલેટો પણ છોડવામાં આવી હતી. આ યુવકને ઠાર મારવા અંગે પોતાના બચાવમાં પોલીસે એમ કહ્યું છે કે તેની સામે પહેલાથી જ વોરન્ટ હતું.




